શહેરની ભાગોળે જામનગર રોડ પર શિવશક્તિ સોસાયટીમાં રહેતી મહિલાના ચારિત્ર્ય પર શંકા કરી નશાખોર હાલતમાં રહેલા પતિએ લાકડાંના પાટિયાથી માર મારી મહિલાનો હાથ ભાંગી નાખ્યો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.
જામનગર રોડ પર મનહરપુર-1માં રહેતા સોનલબેન મયૂર ધરજિયા (ઉ.વ.21)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ મયૂર વિનોદ ધરજિયાનું નામ આપ્યું હતું. સોનલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં નવ માસનો પુત્ર લક્ષ્ય છે. સાસુ કંચનબેન અને દિયર વિજય પડધરી રહે છે અને શિવશક્તિ સોસાયટીમાં આંટો મારવા આવે છે.
ગત તા.28ની રાત્રીના બે વાગ્યે સોનલબેન તેના ઘરે હતા ત્યારે પતિ મયૂરે નશાખોર હાલતમાં ઝઘડો શરૂ કર્યો હતો અને ‘કોની સાથે ફરવા ગઇ હતી’ તેમ કહી ચારિત્ર્ય પર શંકા કરી હતી અને કબાટમાં લાકડાંનું પાટિયું કરી પાટિયાથી ઢોરમાર માર્યો હતો.
પતિએ હુમલો કરતાં સોનલબેને રાડારાડી કરતા પાડોશમાં જ રહેતા તેના સાસુ કંચનબેન અને દિયર દોડી આવ્યા હતા અને તેમણે બચાવ્યા હતા. પતિએ કરેલા હુમલાથી સોનલબેનનો હાથ સોજી ગયો હતો પરંતુ તેમણે જેતે સમયે પોલીસમાં જાણ કરી નહોતી.