નવા જમાનાની છ ટેક કંપનીઓએ કુલ માર્કેટ કેપમાં ગત વર્ષે થયેલા નુકસાનના અંદાજે એક તૃતીયાંશની ભરપાઇ કરી લીધી છે. ગત વર્ષે પેટીએમ, ઝોમેટો, નાયકા, પોલિસીબાજાર, કારટ્રેડ અને ડેલ્હીવરીની સંયુક્ત માર્કેટ કેપ 1.59 લાખ કરોડ રૂપિયા ઘટી હતી. આ વર્ષે અત્યાર સુધી તેની સંયુક્ત માર્કેટ કેપ 44,818 કરોડ રૂપિયા વધી ચૂકી છે. કંપનીના નફાકારકતા વધારવાનો પ્રયાસો, ખર્ચમાં ઘટાડો અને બિઝનેસને ટેકઑવર કરવાની રણનીતિને તર્કસંગત બનાવવાને કારણે માર્કેટ કેપમાં વધારો થયો છે.
છેલ્લા બે ક્વાર્ટરથી આ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થવાને કારણે આ કંપનીના શેર્સથી રોકાણકારો આકર્ષિત થયા છે. રોકાણકારોને આગળ જતા આ કંપનીઓના શેર્સમાં સારું રિટર્ન મળવાની સંભાવના નજરે પડી રહી છે. જેને કારણે આ શેર્સમાં નીચલા સ્તરે ખરીદી જોવા મળી રહી છે. કંપનીઓ આગામી સમયમાં વધુ સારુ નાણાકીય પ્રદર્શન નોંધાવશે તેવી આશા છે.