ભારતની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્નીનું સૌરવ ગાંગુલીની જગ્યાએ ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ)ના અધ્યક્ષ બનવાનું નક્કી છે. ગાંગુલી 3 વર્ષથી બીસીસીઆઈના અધ્યક્ષ છે. 18 ઓક્ટોબરે બોર્ડની વાર્ષિક સામાન્ય સભા(એજીએમ)માં બિન્ની પદ સંભાળશે. એક અઠવાડિયાથી ચાલતી ગરમાગરમી બાદ આ નિર્ણય લેવાયો કે બેંગલુરુના રહેવાસી બિન્ની(67) બોર્ડના 36મા અધ્યક્ષ બનશે જ્યારે જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બીસીઆઈના સચિવ બનશે. સાથે જ તે આઈસીસી બોર્ડમાં ગાંગુલીની જગ્યા પણ લેશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધૂમલ બૃજેશ પટેલની જગ્યાએ આઈપીએલના ચેરમેન હશે. બીસીસીઆઈ પદાધિકારીઓમાં સામેલ એકમાત્ર કોંગ્રેસી નેતા રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ બન્યા રહેશે. મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર બોર્ડના નવા ખજાનચી હશે. જેના માટે તેમને મુંબઈ ક્રિકેટ સંઘનું અધ્યક્ષ પદ છોડવું પડશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના સૌથી નજીકના દેવજિત સૈકિયા સંયુક્ત સચિવ હશે. જે જયેશ જોર્જની જગ્યા લેશે. દરેકે ઉમેદવારી નોંધાવી છે. કોઈ પણ પદ માટે ચૂંટણી થશે નહીં કારણ કે દરેક નામ સર્વસંમતિથી નક્કી કરાયા છે અને તે પ્રમાણે જ નોમિનેશન દાખલ કરાશે.
પુત્ર દાવેદાર બનતા બિન્નીએ પસંદગી સમિતિ છોડી હતી
મીડિયમ પેસ બોલર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે આઠ મેચોમાં 18 વિકેટ લીધી જે ટૂર્નામેન્ટનો રેકોર્ડ હતો. જ્યારે તેમનો પુત્ર સ્ટુઅર્ટ ભારતીય ટીમમાં પસંદગીનો દાવેદાર બન્યો ત્યારે તેમણે પસંદગી સમિતિને છોડી દીધી હતી.