સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ બ્રાઝિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. કંપનીના સીઈઓ ઈલોન મસ્કે શનિવારે (17 ઓગસ્ટ) આ માહિતી આપી હતી. તેમણે આ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટના સેન્સરશિપ આદેશને જવાબદાર ગણાવ્યો હતો. જો કે, બ્રાઝિલિયનો માટે Xની સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે.
મસ્કે X પર લખ્યું હતું- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસની (ગેરકાયદેસર) ગુપ્ત સેન્સરશીપ અને પ્રાઈવેટ માહિતી સોંપવાની માગને કારણે, અમે બ્રાઝિલમાં X ઑફિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
અલ જઝીરાએ અહેવાલ મુજબ, કંપનીનો નિર્ણય ખોટી માહિતીને રોકવા માટે પ્લેટફોર્મના અધિકારો અને જવાબદારીઓને લઈને જસ્ટિસ મોરેસ સાથેની કાનૂની લડાઈ પછી આવ્યો છે. Xનો દાવો છે કે એલેક્ઝાન્ડ્રે મોરેસે બ્રાઝિલમાં તેમના એક કાનૂની પ્રતિનિધિની ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી.