બનાસકાંઠાના વાવ તાલુકાની વતની અને ડીસામાં રહેતી સગીરાએ જૂન 2022માં પારિવારિક કંકાસથી કંટાળીને એસિડ પીધું હતું. જેના કારણે તેની અન્નનળી બળી જતાં જૂન 2022થી મોઢા મારફતે ખોરાક લઈ શકતી નહોતી. છેલ્લા એક મહિનામાં તેને નવી અન્નનળી મળી જતાં હાલમાં તે સંપૂર્ણ આહાર લેવા માટે સક્ષમ બની છે. એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલમાં સગીરાની સ્થિતિ સ્વસ્થ છે અને બે વર્ષ પછી ખોરાક લઈ શકતી હોવાથી તેને અને તેના પરિવારને તે બાબતની ખુશી પણ છે.
મૂળ વાવ તાલુકાની વતની સગીરાએ જૂન 2022માં એસિડ પીધું હતું. ત્યારબાદ તેની અન્નનળી સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગઈ હતી. તે દરમિયાન પ્રાથમિક સારવાર તરીકે તેને આસપાસની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાં તેને પેટમાં જઠર સાથે જોડાઇ રહેતી ટ્યૂબ લગાવવામાં આવી હતી. જેથી મોઢા મારફતે અન્ન ન લઇ શકનાર સગીરાને સીધું જ પાઇપ મારફતે લિક્વિડ પેટ સુધી પહોંચાડવામાં આવતું હતું. અત્યાર સુધીમાં સગીરાના પરિવાર દ્વારા અનેક ડોક્ટરની સલાહ લેવામાં આવી હતી. જેમાં તમામ તબીબોએ તેને આજીવન આ જ પ્રકારે જીવી શકાશે તેમ જણાવ્યું હતું.
ખૂબ જ નાની ઉંમરમાં આ પ્રકારનું આવેશભર્યું પગલું લીધા બાદ તેના પરિવારજનો પણ પોતાની દીકરીના ભવિષ્યને લઈને ચિંતિત હતા. સગીરાના પરિવારમાં પણ તેને બે ભાઈ અને માતા છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. સગીરાના માતા આસપાસના ઘરમાં ઘરકામ કરે છે અને તેના બે ભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેથી મોંઘી હોસ્પિટલમાં સારવાર લઇ શકે તેટલો પરિવાર સક્ષમ ન હોવાથી તેણે આ જ પ્રકારે જીવન વિતી જશે તેમ માની લીધું હતું. વિવિધ હોસ્પિટલ દ્વારા થતાં કેમ્પને કારણે તેના જીવનમાં ખુશી પરત ફરી છે.