સોનાની ઉંચી કિંમતોના કારણે ભારતમાં ચાંદીનો વપરાશ જ્વેલરી સેગમેન્ટમાં ઝડપભેર વધવા લાગ્યો છે જેના કારણે ભારતમાં ચાંદીનો વપરાશ આ વર્ષે લગભગ 80% જેટલો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાની ધારણા છે. દેશમાં આ વર્ષે માત્ર આઠ મહિનામાં ચાંદીની આયાત 41 ગણાથી વધુ વધીને 6,370 ટન થઈ છે. આજ કારણ છે કે લંડનથી હોંગકોંગ સુધીના બુલિયન ટ્રેડર્સના વોલ્ટમાં ચાંદીની ઈન્વેન્ટરી ઘટી છે.
સપ્ટેમ્બરના અંતે લંડનની તિજોરીઓમાં ચાંદીનું હોલ્ડિંગ ઘટીને 27,101 ટન થઈ હતી, જે 2016 પછી સૌથી નીચલા સ્તરે છે. વધુમાં રોકાણકારો પણ સોનાથી ડાયવર્ટ થઇ ચાંદી તરફ આકર્ષાયા છે. વર્ષમાં ચાંદીની કિંમતમાં સરેરાશ 15-20 ટકાની અપડાઉન જોવા મળે છે જેના કારણે રોકાણકારોમાં આકર્ષણ વધ્યું છે.
લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) અનુસાર, 2020 અને 2021માં ભારતીયો ચાંદીના સૌથી ઓછા ખરીદદારો હતા. કોવિડ -19 મહામારીના કારણે સપ્લાય ચેઇન અને માંગને અસર થઈ હતી. ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાથી કોવિડ સંબંધિત પ્રતિબંધો હળવા કર્યા પછી મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદવા માટે જ્વેલરી સ્ટોર્સ પર પહોંચ્યા હતા. આ કારણે સોનાનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું પરંતુ ચાંદીની માંગ માત્ર 25% વધી હતી. પરંતુ આ વર્ષે ચાંદીના વેચાણમાં ઝડપથી વધારો થયો છે.