દેશના ટોચના ધનાઢ્ય અને બન્ને ગુજરાતી એવા ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણીએ સૌ પ્રથમ વખત સહયોગ સાધ્યો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદયો છે, અને પ્લાન્ટ્સને કેપ્ટિવ ઉપયોગ માટે 500 મેગાવોટ વીજળીનો ઉપયોગ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહાન એનર્જી લિમિટેડમાં 5 કરોડ ઇક્વિટી શેર ખરીદશે, જેની ફેસ વેલ્યૂ રૂ. 10 એટલે (રૂ. 50 કરોડ) છે અને કેપ્ટિવ ઉપયોગ માટે 500 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરશે, એમ બંને કંપનીઓએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવર લિમિટેડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 500 મેગાવોટ માટે 20 વર્ષના લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગમાં અદાણી પાવરે જણાવ્યું હતું કે કંપનીની પેટાકંપની મહાન એનર્જી (MEL) એ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. MELની કુલ ઓપરેશનલ ક્ષમતા 2,800 MW છે. તેમાંથી 600 મેગાવોટના એક યુનિટને કેપ્ટિવ યુનિટ બનાવવાની દરખાસ્ત છે.