આગામી કેટલાક સપ્તાહોમાં 66 કંપનીના શેરમાં વેચવાલી વધે તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. 4 મહિનામાં આ કંપનીઓનો લૉક-ઇન પીરિયડ પૂરો થઈ જશે. કેટલીક કંપનીઓનો લૉક-ઇન પીરિયડ 1 એપ્રિલે જ પૂરો થઈ રહ્યો છે. તેને પગલે 1.48 લાખ કરોડ રૂપિયાના શેરોના વેચાણ પરનો પ્રતિબંધ દૂર થઈ જશે. અત્યારે શેરબજારે વિક્રમી ઊંચાઈ સર કરી હોવાથી જે રોકાણકારો પાસે આ કંપનીઓના શેર લૉક-ઇન થયેલા છે, તેઓ નફો રળી શકે છે.
તાતા ટૅક્્નૉલોજીસ, મામાઅર્થની પ્રમોટર હોનાસા કન્ઝ્યુમર, સેલો વર્લ્ડ અને જના સ્મોલ ફાઇનાન્સ બૅન્ક જેવા કંપનીઓના એન્કર અને અન્ય મોટા રોકાણકારોને એપ્રિલની શરૂઆતથી શેર વેચીને બહાર નીકળવાની તક મળશે. નુવામાં વૅલ્થ મૅનેજમેન્ટના એક અહેવાલ પ્રમાણે જેએસડબ્લ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબલ સરફેસીસ, સાઇ સિલ્ક્સ, પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિકોમ ટૅક્નૉલોજીસના કેટલાક શેરોનો 1 એપ્રિલે લૉક-ઇન પીરિયડ પૂરો થઈ જશે.
આઇપીઓ પછી વધેલા શેરોમાં ઘટાડાની શંકા
એચડીએફસી સિક્યુરિટીઝના રિટેલ રીસર્ચ હેડ દીપક જસાણીએ કહ્યું હતું કે જે કંપનીઓનો લૉક-ઇન પીરિયડ પૂરો થઈ રહ્યો છે, તેના શેરોનું વેચાણ વધી શકે છે. જો આઇપીઓ આવ્યા પછીથી અત્યાર સુધીમાં આ શેરોમાં તેજી આવી હશે તો તેમાં ઘટાડો આવી શકે છે. એંકર રોકાણકાર અને પ્રમોટર નફો મેળવી શકે છે.