અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ વર્ષે ટેકસની આવકમાં ઐતિહાસિક વધારો થયો છે. ચાલુ વર્ષ દરમિયાન 1 એપ્રિલ 2023થી 31 માર્ચ 2021 સુધીમાં ટેકસની કુલ આવક 2150.16 કરોડ થઈ છે. ગત વર્ષ 2022-23ની સરખામણીએ ચાલુ વર્ષે 11.22 ટકા વધુ આવક થઈ છે. સૌથી વધુ ટેક્સની આવક 1677. 38 કરોડની થઈ છે. સૌથી વધુ 370 કરોડનો ટેક્સ પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓએ ભર્યો છે.
આજે રવિવારે ટેક્સ ભરવાનો છેલ્લો દિવસ હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિવિક સેન્ટરો સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 અંતર્ગત થયેલી કુલ 2150 કરોડની આવકમાં પ્રોપર્ટી ટેક્સની આવક 1677.38 કરોડ, પ્રોફેશનલ ટેક્સની આવક 237.55 કરોડ અને વ્હીકલ ટેક્સની આવક 216.38 કરોડ અને 18.84 કરોડના TSF ચાર્જીસ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલડી, વાસણા, નવરંગપુરા, વાડજ, રાણીપ, મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાંથી સૌથી વધુ પ્રોપર્ટી ટેક્સની 370 કરોડની આવક નોંધાઈ છે.
ગત વર્ષે તા. 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીની સરખામણીએ ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની આવક 11.34 ટકા વધી છે. જ્યારે વ્હીકલ ટેકસની આવક ગત વર્ષ કરતા 16.16 ટકા વધી છે અને પ્રોફેશનલ ટેક્સની આવક 9.57 ટકા વધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ નાગરિકો દ્વારા ટેક્સ ભરવામાં ન આવ્યો હતો તેમની સામે ટેક્સ રિકવરીની સઘન ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત 2.26 લાખ મિલકતોને સીલ કરવામાં આવી હતી, જ્યારે છ જેટલી મિલકતોની હરાજી અને 270 મિલકતો પર બોજો નાખવામાં આવ્યો હતો. આ સઘન ઝૂંબેશના પગલે પણ ટેક્સની આવકમાં મોટો વધારો થયો છે.