શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર એ.યુ. ફાઇનાન્સ બેંક લિમિટેડમાંથી જૂની કાર પર ચાર લાખની લોન લઇ ચોટીલાના નાના કાંધાસર ગામના શખ્સે છેતરપિંડી કર્યાની ખાનગી બેંકના મેનેજરે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચાેકમાં રાજતિલક એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઇ વિઠ્ઠલભાઇ ગોહિલ (ઉ.36) એ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ચોટીલાના કાંધાસર ગામે રહેતો અજય ધીરૂભાઇ જાદવનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અજય અને તેની પત્ની એ અમારી બેંકમાં તેની જૂની કાર ખરીદવા માટે ચાર લાખની લોન એપ્લાઇ કરી હતી. બાદમાં માસિક 14 હજારના હપ્તાથી લોન મંજૂર થઇ હતી દરમિયાન અજયએ અમારી બેંકમાં ખાતું ખોલાવેલ હતું અને તેના ખાતામાં રૂ.ચાર લાખ જમા થયા હતા અને કારની આર.સી.બુક જમા કરાવી હતી. ત્યાર બાદ આરટીઓમાં અમારી બેંકનો બોજો નોંધાવા ગયા હતા ત્યાં જાણવા મળેલ હતું કે, તેને સરનામું ફેરવી અન્ય આર.સી. બુક કઢાવી અન્ય બેંકમાંથી જૂની કાર પર લોન લઇ લીધી હતી. બાદમાં તેને જાણ કરતા તેને ઉડાવ જવાબ આપ્યો હતો અને તેને લોનના હપ્તા પણ ભર્યા ન હોય છેતરપિંડી કર્યાનું જણાવતા જમાદાર જાડેજા સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.