રાજયમાં પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહીં છે ત્યારે વિશ્વના પ્રવાસીઓને વધુ આકર્ષવા માટે રાજય સરકાર દ્વારા દ્વારકા-બેટ દ્વારકા પછી ગુજરાતના જામનગર જિલ્લાના પીરોટન અને અમરેલી જિલ્લાના શિયાળ-સવાઇ ટાપુ(આઇસલેન્ડ)ઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પીરોટન અને શિયાળ સવાઇ ટાપુઓ દરિયામાં આવ્યા હોવાથી પ્રવાસીઓને આહલાદક અનુભવ થાય તેટલા માટે વિકસાવવાનું આયોજન કરાયું છે. આ ટાપુઓ પર સરકાર પ્રથમ તો ટાપુ સુધી પહોંચવાની વ્યવસ્થા કરશે અને તેની સાથે ત્યાં વિવિધ સુવિધાઓ ઊભી કરશે. ટાપુઓ પર વિવિધ પક્ષીઓની જાતિ અને દરિયાઇ વનસ્પતિઓનું આકર્ષણ હોવાથી તેને વિકસાવાશે. આવી રીતે પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં પ્રવાસન સુવિધાઓ
પણ ઉભી કરાશે તેમ પ્રવાસન વિભાગના સૂત્રોનું કહેવું છે.
રાજયમાં કુલ 144 ટાપુઓ છે,આ ટાપુ પૈકી 50 હેકટર જમીન હોય તેવા ટાપુઓને વિકસાવવાનું નક્કી કર્યુ છે. આ 50 હેકટર જમીનવાળા એટલે પસંદ કરવામાં આવ્યા છે કે દરિયાની ભરતીની અંદર આ ટાપુઓ પર ઉભી કરાયેલી સુવિધાઓ ધોવાઇ ન જાય.ઓછી જમીન હોય તો ત્યાં દરિયાની ભરતી વધે ત્યારે ટાપુ પર પાણી આવી જાય તો વિકસાવાયેલી સુવિધાઓને નુકશાન થવાની શકયતા હોવાથી 50 હેકટરથી ઓછી જમીન ધરાવતા ટાપુઓને પસંદ કરવામાં આવ્યા નથી.