ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ બુધવારથી જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખોની નિમણૂંકની જાહેરાતો થઈ હતી. ગુરુવારે સુરત જિલ્લા, નવસારી, તાપી, વલસાડ સાથે સુરત શહેર ભાજપ પ્રમુખપદે પરેશ પટેલની જાહેરાત કરવામાં આવી હતી.
જો કે, ભાજપના જ કેટલાક સભ્યોએ PMOને પત્ર લખી કહ્યું હતું કે, ‘પરેશ પટેલ પ્રમુખપદે ના જોઈએ’. બીજીતરફ, સંગઠનનો કોઈ જ અનુભવ ન હોવા છતાં હંમેશા પાટીલની સાથે રહી પરેશ પટેલની સફરમાં ટૂંકા રાજકીય અનુભવમાં જ તેમને ચેમ્બર પ્રમુખપદ ત્યાર બાદ સ્થાયી સમિતિ ચેરમેનપદ પણ અપાયું હતું. ત્યાર બાદ હવે સીધા શહેર ભાજપ પ્રમુખપદે બેસાડ્યા છે. આ પદ માટે શહેર ભાજપના જૂના નેતાઓએ પણ લાઇન લગાવી હતી પરંતુ પ્રદેશ ભાજપ અધ્યક્ષે પરેશ પટેલને જ સ્થાન આપ્યું હતું. આમ, શહેર ભાજપના આંતરિક જૂથવાદમાં લેટરકાંડે પરેશ પટેલનું પલડું ભારે કરી દીધું હતું.
નિરંજન ઝાંઝમેરા ચાર વર્ષ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખપદે રહ્યા હતા. પક્ષમાં પરેશ પટેલ સામે ઘણા ખરા કોર્પોરેટરોમાં જ કડક સ્વભાવના હોય પાલિકામાં વિવાદી નિર્ણયોનો પણ વિરોધ વ્યક્ત કરતી રજૂઆતો કરવામાં આવી હતી. મોદીના આગમનના આગલા દિવસે જ પાટીલે આ નિયુક્તિની જાહેરાત કરી હતી. બીજીતરફ સૌ કોઈ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વ્યસ્ત છે ત્યારે કોઈ પણ જાતનો વિરોધનો સૂર પણ ઉઠ્યો ન હતો.