રાજકોટમાં સાસરીયાઓના ત્રાસ અંગેની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર વર્ધમાનનગર નજીક આવેલ સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા એકજ પરિવારમાં બે સગી બહેનોના લગ્ન કરાવવામાં આવ્યા હતા જે બન્ને દીકરીઓને પિતાએ કરિયાવરની અવેજીમાં રૂ.10 લાખ આપવા છતાં સાસરિયાઓએ બંનેને દાગીના ન બનાવી આપી નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે પરિણીતાએ પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી કેરોસીન પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા
રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર SRP કેમ્પ સામે આવેલ વર્ધમાનનગર પાસે સનરાઇઝ 2 એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ શૈલેન્દ્રસિંહ જગદીશસિંહ ઝાલા તથા દિયર હરપાલસિંહ ઝાલા અને સાસુ નીલમબા ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના પિતા મવડી પ્લોટમાં પ્રીયદર્શન સોસાયટીમાં રહે છે. ત્રણેક વર્ષ પહેલા પોતાના લગ્ન શૈલેન્દ્રસિંહ ઝાલા સાથે અને નાની બહેનના હરપાલસિંહ ઝાલા સાથે થયા હતા. બંનેના લગ્ન એક સાથે જ થયા હતા. અમે બંને બહેનો સાસુ સહિત સંયુકત પરિવારમાં રહીએ છીએ.
બંને બહેનોને સોનાના દાગીના કરાવી આપીશું' તેમ જણાવ્યું
ગત તા.7.1.2024ના રોજ પોતે તથા ઘરના સભ્યો હાજર હતા ત્યારે પોતાના પિતા, માતા, મામાજી, મામીજી, માસીજી તથા નાનીજી ઘરે હાજર હતા. પોતાના અને નાની બહેનના લગ્ન થયેલા ત્યારે પિતાએ બંને બહેનોને કોઇ દાગીના કરાવી આપ્યા ન હતા પતિએ આ સમયે લોન ચાલુ હોય તે બાબતની જાણ કરી હતી અને એ વાત થયા બાદ પિતાએ દાગીના અને કરિયાવરની અવેજીમાં રૂ.10 લાખ આપ્યા હતા આ સમયે 10 લાખની અવેજીમાં સાસુ તથા પતિએ કહેલ કે ‘સગવડતા થશે ત્યારે બંને બહેનોને સોનાના દાગીના કરાવી આપીશું' તેમ જણાવ્યું હતું.