ખોખડદળ નદીના પુલ પાસે એન.બી.ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં રાજપૂત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગત રાતે સાડા નવથી સવારના છ વાગ્યાના અરસામાં રૂ.11,41,475ના કિંમતના હાર્ડવેરનો કાચો તેમજ પાકો સામાન અને બે લેપટોપની ચોરી થઇ હતી. જે અંગે ભાગીદારીમાં કારખાનું ચલાવતા મૂળ રાજસ્થાનના ગોપાલસિંહ ભાટીએ આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કર ટોળકીને પકડવા તપાસ શરૂ કરી હતી. જેમાં એલસીબી ઝોન-1ની ટીમ પણ જોડાઇ હતી. ત્યારે ચોરી કરનાર ટોળકીના મોબાઇલ ટ્રેસ કરતા તેઓ કુવાડવા રોડ પર હોવાનું જાણવા મળતા પીએસઆઇ બી.વી.બોરીસાગર, કોન્સ.દિવ્યરાજસિંહ, રવિરાજભાઇ, સત્યજિતસિંહ સહિતની ટીમ કુવાડવા રોડ પર દોડી જઇ ચાર શખ્સને સકંજામાં લીધા હતા.
પૂછપરછમાં ચાર પૈકી બે તરુણવયના હોવાનું જ્યારે અન્ય બે 80 ફૂટ રોડ, ખોડિયારનગરમાં રહેતા નિલેશ બલિયા અને તેનો ભાઇ અનિલ હોવાનું જણાવ્યું હતું. પૂછપરછમાં તેઓ ઉપરોક્ત કારખાનામાંથી મજૂરીકામ મેળવતા હોય જાણ હતી કે કારખાનામાં કેટલો માલ પડ્યો છે. બાદમાં ચાર ઉપરાંત એક ધાર્મિક સહિત પાંચેય ગત રાતે છકડો રિક્ષા લઇ ચોરી કરવા ગયા હતા. બંધ કારખાનાના તાળાં તોડી સામાનની ચોરી કરી ઘર પાસેના બંધ ડેલામાં સામાન ભરેલો છકડો રિક્ષા મૂકી ચોટીલા તરફ ભાગી રહ્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ચોરાઉ મુદ્દામાલ ઉપરાંત ચાર મોબાઇલ મળી કુલ રૂ.12.11 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેયને આજી ડેમ પોલીસ હવાલે કર્યા છે. ટોળકીના એક સાગરીત ધાર્મિકને આજી ડેમ પોલીસે ઝડપી લીધો છે.