ભારત હવે મલ્ટિનેશનલ કંપનીઓ માટે હબ બની રહ્યું છે તેમજ મલ્ટિનેશનલ કંપનીઓની વધતી રૂચિને કારણે પણ ભારતને ફાયદો થઇ રહ્યો છે. મોટા ભાગની વિદેશી કંપનીઓ સપ્લાય ચેઇનમાં વૈવિધ્યકરણની વ્યૂહરચનાના સંદર્ભમાં ભારતને એક વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ બેઝ તરીકે જુએ છે જેને કારણે આગામી સમયમાં દેશમાં રોકાણ પણ મજબૂત રહેવાના અણસાર હોવાનું યુએનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
વર્ષ 2024ના ફાઇનાન્સિંગ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર વિકાસ માટેના ધિરાણના અંતરને ઘટાડવા માટે નાણાકીય હેરફેર ઝડપી બને તે જરૂરી છે, જેનો અંદાજ વાર્ષિક સ્તરે $4.2 ટ્રિલિયન છે. જેમાં મુખ્યત્વે રોકાણને વેગ મળે તે જરૂરી છે. દરમિયાન, વધતા ભૌગોલિક રાજકીય તણાવ, ક્લાઇમેટ ચેન્જ અને વૈશ્વિક સ્તરે જીવનનિર્વાહના ખર્ચમાં વધારાને કારણે કરોડો લોકોને આંચકો લાગ્યો છે જે હેલ્થકેર, એજ્યુકેશન અને અન્ય વિકાસશીલ લક્ષ્યો પરની પ્રગતિને અસર કરે છે.
રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે રોકાણ મંદ રહેવાની ધારણા છે. તેનાથી વિપરિત, મુખ્યત્વે દક્ષિણ એશિયામાં ખાસ કરીને ભારતમાં રોકાણ મજબૂત રહેવાનો અંદાજ છે. નબળી બાહ્ય માંગ, કોમોડિટીની કિંમતોમાં વોલેટિલિટી, ઉચ્ચ ધિરાણ ખર્ચને કારણે મોટા ભાગના વિકાસશીલ દેશોમાં સંભાવનાઓ નબળી છે. નબળી માંગ વચ્ચે દેવાનું ઉચ્ચ સ્તર સરકારને વધુ ધિરાણ લેવા અને ખર્ચ કરતા રોકશે.