ગુજરાતમાં જે બાળકો ધોરણ 1થી12નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા 1.15 લાખ બાળકોનો સરવે કરી તેમને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને આદેશ આપ્યા છે. ચાલુ મહિને જ આ ડ્રોપઆઉટ બાળકોનો એક મોટો સરવે શરૂ કરાયો છે જેમાં આચાર્યો, શિક્ષકો, બીઆરસી, સીઆરસી સહિત શિક્ષા વિભાગના તમામ સ્ટાફને આ સરવેમાં જોડવા જણાવાયું છે. જે અંતર્ગત કોર્પોરેશનની શાળાઓ દ્વારા જુદા-જુદા કારણોસર શાળા બહાર રહેલ 6 થી 18 વર્ષની વયજૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શકયા નથી તેવા બાળકોનો સરવે 30 એપ્રિલ સુધી કરવામાં આવશે.
આ સરવેમાં સરકારના તમામ વિભાગો દ્વારા જાહેર જનતા અને એનજીઓને સહભાગી થવા જણાવાયું છે. જો આવા બાળકો કોઇના ધ્યાનમાં આવે તો નજીકની શાળાના આચાર્ય, સીઆરસી કો-ઓર્ડિનેટર, યુઆરસી કો-ઓર્ડિનેટર અથવા જિલ્લા પ્રોજેક્ટ કચેરી સમગ્ર શિક્ષાને લેખિત/મોખિક/ટેલિફોનિક (ટોલ ફ્રી નંબર-1800- 233-0052) જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને શાસનાધિકારી રાજકોટ કોર્પોરેશન દ્વારા અનુરોધ કરાયો છે. 16 એપ્રિલથી આ સરવેમાં શિક્ષકો પણ જોડાશે, હાલ સર્વ શિક્ષા અભિયાનના સ્ટાફ શહેરની જુદી-જુદી ઝૂંપડપટ્ટી, પછાત વિસ્તારમાં જઈને સરવે કરી રહ્યા છે. રાજ્યમાં કુલ 1,15,129 બાળકો અને રાજકોટ જિલ્લામાં 2690 બાળકો મળ્યા છે જેઓએ શિક્ષણ અધ્ધવચ્ચેથી છોડી દીધું છે. ડ્રોપઆઉટ તેમજ અનટ્રેક બાળકોને શૈક્ષણિક પ્રવાહમાં જોડવવા એપ્રિલ માસમાં તાલુકા/ક્લસ્ટર/શાળા દ્વારા શાળા બહારના બાળકોનો સરવે કરવા જણાવાયું છે.