દેશમાં મ્યૂલ એકાઉન્ટ મારફતે ફાઇનાન્સિયલ ફ્રોડના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. તેને કારણે 5 વર્ષમાં ફાઇનાન્સિયલ ફ્રોડના કેસ 11 ગણા વધ્યા છે. જણાવી દઇએ કે મ્યૂલ એકાઉન્ટ એવા હોય છે, જેમાં ઠગ કોઇ વ્યક્તિને કમિશન અથવા અન્ય લાલચ આપીને તેમના ખાતામાં ગેરકાયદે રકમ અથવા હવાલાથી પૈસા મંગાવે છે અને પછી આ પૈસાને બીજા ખાતામાં અથવા રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવે છે.
સરકાર દ્વારા અપાયેલી જાણકારી અનુસાર સાઇબર ફ્રૉડના કેસની સંખ્યા નાણાવર્ષ 2019-20માં 2,677 હતા, જે 2023-24માં 11 ગણા વધીને 29,082 થયા છે. આ દરમિયાન ઑનલાઇન ફ્રોડની રકમમાં પણ વધારો થયો છે. ફાઇનાન્સિયલ ફ્રોડની રકમ રૂ.129 કરોડથી વધીને રૂ.1,457 કરોડ સુધી પહોંચી છે.
ઑનલાઇન ફ્રૉડ કરનારાની વધતી ચાલાકી તેમજ ફાઇનાન્સિયલ સિસ્ટમની અંદર જોવા મળેલી નબળાઇને ઉજાગર કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. અનેકવાર ગુનેગારો દ્વારા ગેરકાયદે રીતે પ્રાપ્ત કરેલી રકમને અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મની મ્યૂલની ભરતી કરાય છે. જમતાડા અને મહાબળેશ્વર સિવાય દેશના દક્ષિણ ભાગમાં પણ કેટલાક હૉટ સ્પોટની ઓળખ કરાઇ છે.