બંગાળમાં 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં શુક્રવારે ફરી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. લાઠીધારી ભીડે બેડમજૂર વિસ્તારમાં જમીન હડપી જનારા અને મહિલાઓનું શોષણ કરનારા આરોપી શાહજહા શેખ અને તેના ભાઈ સિરાજની મિલકતોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. ભીડે રસ્તા ખોદી નાખીને ટ્રાફિક જામ કર્યો હતો. પથ્થરમારો કરીને પોલીસને આગળ વધતાં અટકાવી દેવાઈ હતી.
સંદેશખાલીના બે પોલીસમથક વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને વધારાની પોલીસ તૈનાત કરી દેવાઈ છે. દરમિયાન ઈડીએ રાજ્યનાં પાંચ શહેરમાં આરોપી શાહજહા અને તેના નજીકના લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા. ઈડીએ કરોડોના રાશન કૌભાંડમાં શાહજહા વિરુદ્ધ ફરીથી સમન્સ પાઠવીને 29 ફેબ્રુઆરીએ હાજર થવા આદેશ કર્યો છે.
ભીડમાં સામેલ મહિલાએ કહ્યું હતું કે આરોપી શાહજહા અને તેમનાં જૂથો વિરુદ્ધ બંગાળની પોલીસ વર્ષોથી મૌન છે. કોઈ કાર્યવાહી કરતી નથી. હવે અમે અમારી હડપ કરેલી જમીનો અને સન્માન પાછાં મેળવીશું.
ટીએમસી નેતા શાહજહા પર સંદેશખાલીમાં જમીન હડપવાની અને મહિલા શોષણની 100 ફરિયાદો છે. પચાવી પાડેલી જમીનો પર તે મત્યપાલનનો ગેરકાયદે વેપાર કરે છે.