રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી આજે બીજી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે હાજર થયા ન હતા. NDTV મુજબ, તેમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ₹100 કરોડના હવાલા કેસના સંદર્ભમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીને બે વાર સમન્સ પાઠવ્યા છે. તેમને અગાઉ 14 નવેમ્બરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સોમવારે, અનિલ અંબાણીએ ED ને પત્ર લખીને વર્ચ્યુઅલી અથવા વીડિયો રેકોર્ડિંગ દ્વારા પોતાનું નિવેદન આપવા જણાવ્યું હતું.
આ હવાલા કેસ 15 વર્ષ જૂનો છે અને 2010 થી ચાલી રહ્યો છે. EDને શંકા છે કે જયપુર-રિંગાસ હાઇવે પ્રોજેક્ટમાંથી 100 કરોડ રૂપિયા હવાલા રૂટ દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા. EDએ કેટલાક હવાલા ડીલરો સહિત અનેક વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા છે.
2010માં, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને જયપુર-રિંગાસ હાઇવે માટે EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે, અનિલ અંબાણીના નિવેદનમાં જણાવાયું હતું કે આ કોન્ટ્રાક્ટ સંપૂર્ણપણે સ્થાનિક હતો અને તેમાં કોઈ વિદેશી હૂંડિયામણ સામેલ નહોતું.