ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બુધવારે સાંજે ઈઝરાયલ વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ આર્મી બેઝ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 14 લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન હિઝબુલ્લાહે હુમલાની જવાબદારી લીધી છે.
અલ-અરામશે ગામ પર ડ્રોન અને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલોને ગેલીલી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઈઝરાયલ પર ઈરાની હુમલા બાદથી અત્યાર સુધી વોર કેબિનેટની 5 વખત બેઠક થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેબિનેટે નિર્ણય લીધો છે કે ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે ઈઝરાયલ ક્યારે અને કેવી રીતે બદલો લેશે.
સીએનએનએ અમેરિકી અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે ઈઝરાયલ બદલો લેવા ઈરાન પર પ્રહાર કરશે. જો કે તેની અસર વધુ નહીં થાય. અધિકારીએ કહ્યું છે કે ઇઝરાયલ જે પણ કાર્યવાહી કરે છે તેના વિશે જાણ થાય એવું અમેરિકા ઈચ્છશે.
જેથી ઈરાનના વળતા હુમલા પહેલા અમેરિકા પોતાના સંરક્ષણ માટે તૈયારી કરી શકે. અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલો કરતા પહેલા અમેરિકાને જાણ કરવામાં આવશે તેની કોઈ ગેરંટી નથી. તેનું કારણ એ છે કે અમેરિકા ઈઝરાયલની કાર્યવાહી સામે વાંધો ઉઠાવી શકે છે.