ચોમાસામાં રાજકોટ શહેરમાં બે ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જવા તેમજ પ્રથમ વરસાદ બાદ જ રોડ પર ખાડા પડી જવાની ઘટના બને છે. દર વર્ષે આ કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં લોકોને ખાડામાંથી મુક્તિ મળતી નથી ત્યારે આ વખતે ચોમાસામાં જ ખાડા બૂરવા માટે નવી ટીમની રચના કરાઈ છે.
પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મળેલી બેઠકમાં વિવિધ ચર્ચાઓ ઉપરાંત આ વખતે નિર્ણય લેવાયો છે કે ચોમાસાને કારણે રસ્તાઓ પર પડતા ખાડાઓની તાત્કાલિક મરામત થાય તે માટે ઝોનવાઈઝ ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરાશે. ડ્રેનેજ કે ખુલ્લી ગટરની સફાઈ કામગીરી દરમિયાન જાહેર સલામતી ખાતર, રસ્તા પર કામ ચાલુ છે તેની જાણકારી લોકોને મળી રહે તે માટે વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ ગટરના ઢાંકણાં પાસે કે ખુલ્લી ગટર પાસે અચૂક રાખવા તેમજ ખોદકામ કે અન્ય બાંધકામને લગત કામ ચાલતા હોય ત્યાં બેરિકેડિંગ કરવા ખાસ સૂચના અપાઈ હતી.
કારણ કે, આવા બોર્ડ મારવામાં ઉદાસીનતાને કારણે ઘણા શહેરીજનો અકસ્માતનો ભોગ બન્યા છે. મનપા દર વર્ષે ચોમાસું આવતા જર્જરિત મકાનોને નોટિસ આપે છે પણ યોગ્ય કાર્યવાહી ન કરાતા દર વર્ષે જૂના મકાનો ધસી જવાના બનાવ બને છે ત્યારે આ વર્ષે પણ જર્જરિત મકાનોને નોટિસ આપવાની ફરી કવાયત થશે. આ વર્ષે પણ કાર્યવાહી નાટક સાબિત થશે અને નક્કર પગલાં લેવાશે નહીં.