સાઉથ કોરિયામાં વિમાન દુર્ઘટના પછી કાર્યકારી રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે સોમવારે દેશમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે તમામ એરલાઇન સિસ્ટમની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
રવિવારે બેંગકોકથી આવી રહેલું જેજુ એરનું બોઈંગ 737-800 પ્લેન મુઆન એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું, પરંતુ ગીયર ફેલ થવાને કારણે તેના પૈડા ખુલ્યા ન હતા. બેલી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 179 લોકોનાં મોત થયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 84 પુરુષો અને 85 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 10 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. મૃત્યુ પામેલા 146 લોકોની ઓળખની પુષ્ટિ થઈ ગઈ છે, બાકીના લોકોની ઓળખ જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
અકસ્માતમાં બચી ગયેલા બે ક્રૂ મેમ્બરની સારવાર ચાલી રહી છે. ભાનમાં આવ્યા પછી બંને આઘાતમાં છે. અકસ્માત વિશે તેમને સ્પષ્ટપણે કંઈ યાદ નથી.