સરકારની નજર હવે ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો પર છે. દેશમાં અત્યારે 43 ગ્રામીણ બેન્કો છે. સરકાર હવે તેની સંખ્યા ઘટાડીને 28 કરવા માંગે છે. તેના માટે કેટલીક બેન્કોના અન્ય બેન્કો સાથે મર્જરની યોજના છે. આ મર્જરથી બેન્કોને ખર્ચ ઘટાડવામાં તેમજ કેપિટલ બેઝ વધારવામાં મદદ મળશે. એક રિપોર્ટ અનુસાર સરકારે તેના માટે એક દસ્તાવેજ તૈયાર કર્યો છે. જેમાં ગ્રામીણ બેન્કોના મર્જરનો પ્રસ્તાવ છે. ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો નાના ખેડૂતો, કૃષિ મજૂરો તેમજ નાના વેપારીઓને ધિરાણ આપે છે પરંતુ તેમની મૂડી તેમજ ટેક્નોલોજી સુધી પર્યાપ્ત પહોંચ નથી.
31 માર્ચ, 2024 સુધીના આંકડાઓ અનુસાર આ બેન્કો પાસે કુલ 6.6 લાખ કરોડ રૂપિયા જમા હતા જ્યારે એડવાન્સ 4.7 લાખ કરોડ રૂપિયા હતું. એક બેન્કર અનુસાર પ્રસ્તાવિત મર્જર બાદ એક રાજ્યમાં એક જ ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક રહેશે. એસેટ્સના હિસાબે દેશમાં અત્યારે પણ અડધાથી વધુ બેન્કિંગ સેક્ટર પર સરકારી બેન્કનો કબ્જો છે.
સરકારે બેન્કોમાં કામગીરી સુધારવા તેમજ કેપિટલ માટે સરકાર પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે તેને કોન્સોલિડેટેડ કરવાનો પ્રયાસ કર્યો છે. માર્ચ 2023ના અંત સુધી, રિજનલ રૂરલ બેન્કોની દેશમાં કુલ 21,995 બ્રાન્ચ હતી, જેમાં 26 રાજ્યો તેમજ 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 30.6 કરોડ ડિપોઝિટ એકાઉન્ટ્સ અને 2.9 કરોડ લોન એકાઉન્ટ્સ હતા. તાજેતરના એક રિપોર્ટ અનુસાર 43 ગ્રામીણ ક્ષેત્રની બેન્કોની કુલ ડિપોઝિટ, એડવાન્સ તેમજ રોકાણ અનુક્રમે રૂ.6,08,509 કરોડ, રૂ.3,86,951 કરોડ તેમજ રૂ.3,13,401 કરોડ હતું.