એપ્રિલના ત્રીજા સપ્તાહમાં સૂર્યએ ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે, આકરી ગરમીને લીધે દેશના 11 રાજ્ય હીટવેવ(લૂ)ની ઝપેટમાં આવ્યા છે. શુક્રવારે આ રાજ્યોના 17 શહેરોમાં દિવસનું તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું હતું. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશના રાયલસીમા, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ, ગંગાના પશ્ચિમ બંગાળ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં 42થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે.
બીજી તરફ, ગુજરાત, પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને બિહારમાં તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. આ તમામ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા બેથી ચાર ડિગ્રી વધારે હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના પૂર્વ ભાગો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, ઝારખંડ અને ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે પશ્ચિમી રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં આગામી એક-બે દિવસમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે. શુક્રવારે દિલ્હીમાં તાપમાન 39.9 ડિગ્રી સેલ્સિયસ પર પર પહોંચ્યું હતું.