રાજકોટમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. રાજકોટના નાનામવા આરોગ્ય કેન્દ્રમાંથી એક અત્યંત ચોંકાવનારો અને જવાબદારી પર સવાલ ઉઠાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં નર્સ ફરજ દરમિયાન વીડિયો કોલમાં મશગૂલ હોવા છતાં એક નાના બાળકને આપવાનું ઇન્જેક્શન તૈયાર કરી રહી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નર્સનું ધ્યાન મોબાઈલ ફોનમાં હોવાને કારણે બાળકની સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર સવાલ ઊઠ્યા છે. સમગ્ર મામલે મનપાના આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બેધ્યાન રહીને ઇન્જેક્શન આપવું બાળક માટે જોખમી નાનામવા આરોગ્ય કેન્દ્રમાં થયેલી આ ઘટનાના વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક નર્સ ખુરસી પર બેસીને પોતાના મોબાઈલ ફોન પર વીડિયો કોલ પર વાત કરી રહી છે. એ સમયે તેના ટેબલ પર એક નાનું બાળક સૂતેલું છે, જેને ઇન્જેક્શન આપવાની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નર્સ વીડિયો કોલ પરની વાતચીતમાં એટલી બધી ગૂંચવાયેલી છે કે તેનું ધ્યાન બાળક પર કે ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા પર જરા પણ નથી. વીડિયોમાં દેખાય છે કે નર્સ વીડિયો કોલ જોઈને હસી રહી છે અને વાતચીત કરી રહી છે, જ્યારે તેનો હાથ યાંત્રિક રીતે ઇન્જેક્શન તૈયાર કરી રહ્યો છે. આ પ્રકારે બેધ્યાન રહીને ઇન્જેક્શન આપવું એ બાળક માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ સમયે બાળકના વાલી પણ હાજર હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
વીડિયોમાં દેખાતી નર્સને હાજર રહેવા જણાવ્યુંઃ અધિકારી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ મ્યુ. કોર્પોરેશનનું આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે વીડિયો વાઇરલ થતાંની સાથે જ નાનામવા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે વીડિયોમાં દેખાતી નર્સને પણ સાંજે હાજર થવા માટે જણાવાયું છે.