રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગના કેસ આવી રહ્યા છે અને હવે તો પાણીજન્ય રોગ પણ વધી રહ્યા છે. જોકે મનપાના ચોપડે આ બધો રોગચાળો કાબૂમાં છે.મનપાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં છેલ્લા 3 વર્ષના રોગચાળાના આંકડાઓ જોઈએ તો તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ચિકનગુનિયાના કેસ વધ્યા છે તો તે અંગે જણાવ્યું હતું કે, છૂટાછવાયા કેસ આવી રહ્યા છે કોઇ જગ્યાએ ક્લસ્ટરિંગ નથી એટલે તે ચિંતા નથી. આંકડાઓ પર નજર કરીએ તો ડેન્ગ્યુના કેસ 2021ની સરખામણીએ અડધા થઈ ગયા છે જ્યારે તેનાથી ઊલટું ચિકનગુનિયા બમણા થયા છે. ટાઈફોઈડના કેસમાં નજીવો વધારો થયો છે અને વર્ષની શરૂઆતમાં જ 8 કેસ થઈ ચૂક્યા છે તેથી હજુ આંક વધુ તેવું લાગી રહ્યું છે.
મહાનગરપાલિકા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા કેસ નોંધવા માટે લેબ રિપોર્ટનો અને તે પણ એલાઈઝા જ માને છે. પાંચ વર્ષ પહેલાં રેપિડ કાર્ડ ટેસ્ટ પણ માન્ય ગણાતા હતા પણ તત્કાલીન આરોગ્ય કમિશનરે ચોપડે રોગચાળો ઘટાડવા માટે એલાઈઝા ટેસ્ટનો નિયમ લાવ્યા હતા. આ કારણે મોંઘા ટેસ્ટ કરાવવાને બદલે રેપિડ કાર્ડ ટેસ્ટ કરાવીને સારવાર અપાઈ છે અને તેથી નોંધ થતી નથી.
બીજી તરફ ઝાડા-ઊલટી, શરદી સહિતના રોગચાળાનો આંક મનપા પોતાના આરોગ્ય કેન્દ્રમાં આવેલા દર્દીઓ પરથી નોંધ કરે છે. તેના કરતા અનેક ગણા કેસ સિવિલમાં અને ખાનગી હોસ્પિટલમાં હોય છે. આ કારણે મનપાની રોગચાળા નોંધવાની આખી પદ્ધતિમાં જ અનેક વિસંગગતાઓ છે. આ કારણે લોકો સુધી સાચી માહિતી પહોંચતી જ નથી.