રાજકોટના વેપારીને 80 લાખનું દેવું થતા તેઓ સુરતમાં આવી એપ્લિકેશનથી આઈપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઉત્રાણ પોલીસના હાથે ઝડપાયા હતા.વેપારીની સાથે આઈડી-પાસવર્ડ આપનારને પણ પોલીસે પકડી પાડી બે મોબાઇલ અને રોકડ મળી રૂ. 40,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લાલગેટ પોલીસે પણ બે સટ્ટોડીયાને ઝડપી પાડ્યા છે.
મોટા વરાછાના વર્ણી પ્લાઝા બિલ્ડિંગની નીચે મોબાઇલ પર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા બે સટોડિયાને 26મી તારીખે રાત્રે ઉત્રાણ પોલીસે પકડી પાડ્યા છે. પકડાયેલા સટોડિયામાં એકનું નામ સુરેશ મોહન ખુંટ(48) (રહે,રામજી મંદિર પાસે, મોવૈયાગામ,રાજકોટ) અને બીજાનું નામ દિલીપ મોહન કાકડીયા (35) (રહે.પટેલ પાર્ક સોસા, સરથાણા, મૂળ રહે.ધોળા,ભાવનગર) છે.
રાજકોટના સુરેશ ખુંટનું 80 લાખનું ધંધામાં દેવું થયું હતું. લેણદારોના ત્રાસથી તે સુરત ચાલી આવ્યો હતો. સુરતમાં આવી તે ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા ઉત્રાણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સટોડિયા સુરેશને આઈડી-પાસવર્ડ દિલીપે આપતા ધરપકડ કરી છે.