ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા રાજકોટ સહિત રાજ્યભરમાં શાંતિપૂર્વક લેવાઈ રહી છે ત્યારે આજે તારીખ 18 માર્ચને સોમવારે ધો.10માં વિજ્ઞાનનું પેપર લેવાશે જ્યારે ધો.12 સાયન્સમાં ગણિત અને સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાશે. આજના પેપર લેવાય ગયા બાદ બોર્ડની પરીક્ષાના મોટાભાગના મુખ્ય પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓ પણ રાહત અનુભવશે. બોર્ડની પરીક્ષામાં રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈ કોપી કેસ નોંધાયો નથી. હવે પછી ધો.10માં અંગ્રેજી સહિતના વૈકલ્પિક વિષયોની પરીક્ષા લેવાની બાકી રહેશે જ્યારે ધો.12 સાયન્સમાં આજે ગણિતનું પેપર લેવાયા બાદ અંગ્રેજીનું પેપર બાકી રહેશે. જ્યારે સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી, કમ્પ્યૂટર અને સંસ્કૃત જેવા વિષયોની પરીક્ષા બાકી રહેશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત કર્યો છે આ ઉપરાંત ઝોનલ અધિકારી પણ દરેક ઝોન અને તેના હેઠળ આવતા પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્વક પરીક્ષા લેવાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. રાજકોટમાં ધોરણ 10 અને 12ના કુલ 80,347 વિદ્યાર્થી અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 3,67,818 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ધોરણ 10 અને 12માં મોટાભાગે મુખ્ય વિષયોના પેપર લેવાય ગયા છે.