રાજકોટમાં કણકોટ-કાલાવડ રોડ પર શનિવારી બજાર ભરાય છે. આ બજાર મધ્યમવર્ગનો મસમોટો અને આકાશ નીચે આવેલો ખુલ્લો મોલ છે. જ્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુથી લઇને ઈલેક્ટ્રોનિક અને ઘર સુશોભન માટેની તમામ ચીજવસ્તુઓ મળી રહે છે અને તે પણ બજેટમાં. જેને કારણે મધ્યમવર્ગ અહીંથી જ મોટાભાગની ખરીદી કરે છે. શનિવારી બજાર 3 કિલોમીટર સુધીમાં રોડ પર જ ભરાય છે. આ બજારની વિશેષતા અે છે કે, અહીં કોઇ દુકાન હોતી નથી કે ડિસ્પ્લે રાખવામાં આવતી નથી. વેચનાર નીચે બેસે છે અથવા તો પલંગ ઢાળીને પોતાની વસ્તુઓ રાખે છે. દરેક લોકો તમામ ચીજવસ્તુઓ ખરીદી પણ શકે છે અને નિહાળી શકે છે. દરેક વસ્તુ કિંમતમાં પરવડતી હોવાને કારણે અહીં ખરીદી માટે લોકોની લાંબી લાઇન લાગે છે. સવારે 8.00 કલાકે બજાર ભરાય છે અને સાંજે 4.00 કલાકે બજાર પૂરી થાય છે. આમ 9 કલાકમાં એક દિવસમાં અનેકગણો વેપાર થાય છે. તેમ વેપારીઓ કહે છે.
રાજકોટમાં 30 વર્ષ પહેલા એક જ સ્થળે શાસ્ત્રીમેદાનમાં ગુજરી બજારના નામે બજાર ભરાતી હતી. અહીંયા માત્ર જૂની વસ્તુઓ જ મળતી હતી. એટલે કે, મધ્યમ વર્ગના પરિવારના ઘરમાં કોઈ સજાવટની વસ્તુ તૂટી ફૂટી ગઈ હોય અથવા તો નબળી પડી ગઈ હોય તો આ પરિવારના લોકો ગુજરી બજારમાં જઈ જૂની પરંતુ ટકાઉ હોય તેવી વસ્તુ સ્સ્તામાં ખરીદી આવતા હતા. પરંતુ હવે એવું નથી રહ્યું રાજકોટમાં મંગળવારે ગાંધીગ્રામ અને લક્ષ્મીનગરમાં પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસ પાસે, બુધવારે હુડકો પોલીસ ચોકી પાસે, ગુરુવારે રેલનગરમાં, શુક્રવારે મોરબી રોડ જકાતનાકા પાસે, શનિવારે કણકોટ પાસે અને રવિવારે આજીડેમ અને ધર્મેન્દ્ર રોડ પર સસ્તી બજાર ભરાય છે.