સ્પેનની બાર્સેલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થનાં સંશોધકોએ બાર્સેલોનાની 38 શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો પર કરવામાં આવેલ સંશોધનમાં આ ખુલાસો થયો છે કે, જો બાળકોને સ્કૂલ જતી વખતે દરરોજ રસ્તામાં વધુ પડતાં ટ્રાફિકનો સામનો કરવો પડે તો તેનાં કારણે તેમની યાદશક્તિ પર ખરાબ અસર પડે છે. 7થી 10 વર્ષની ઉંમરનાં 2,680 બાળકો પર હાથ ધરવામાં આવેલ આ સંશોધનમાં બહાર આવ્યું છે કે, બાહ્ય અવાજના સ્તરમાં 5 ડેસિબલનો વધારો પણ યાદશક્તિની ક્ષમતામાં 11.5 ટકાનો ઘટાડો કરે છે. આ ઉપરાંત તેનાં કારણે મુશ્કેલ કાર્યો કરવાની ક્ષમતાનો વિકાસ પણ રુંધાય છે અને આ કારણે અભ્યાસ પર ફોકસ 4.8 ટકા જેટલું ઘટી જાય છે.
ધ્વનિ પ્રદૂષણ યાદશક્તિનાં વિકાસને ધીમો પાડે છે
આ અભ્યાસનાં લેખક જોર્ડી સનરે જણાવ્યું હતું કે, ‘અમારું સંશોધન એ સિદ્ધાંતને સમર્થન આપે છે કે, બાળપણ એ સંવેદનશીલ સમયગાળો છે.’ધ્વનિ પ્રદૂષણ કિશોરાવસ્થા પહેલાં થતી મેમરી ક્ષમતાની વિકાસની પ્રક્રિયાને ધીમી કરે છે. ભવિષ્યમાં આ બાબતને ધ્યાનમાં રાખીને શાળાઓને એવી જગ્યા બનાવવી જોઈએ કે, જ્યાં ઘોંઘાટ અને ટ્રાફિક ઓછો હોય.
બહારનાં અને અંદરનાં અવાજની તુલના કરતાં સંશોધકોને જાણવા મળ્યું કે, ઘોંઘાટીયા રમતનાં મેદાનોવાળી શાળાઓમાં બાળકો તમામ પરીક્ષણોમાં નબળો દેખાવ કરે છે. જો કે, ઘોંઘાટીયા વાતાવરણની આસપાસ આવેલી સ્કૂલનાં બાળકોનું ફક્ત ધ્યાન જ પ્રભાવિત થતું નથી પણ તેમની યાદશક્તિ પણ ઘટે છે. આ અભ્યાસનાં મુખ્ય લેખક ડૉ. મારિયા ફોસ્ટરે જણાવ્યું હતું કે, આ તારણ સૂચવે છે કે વર્ગખંડની અંદરનો ઘોંઘાટ જો સરેરાશ ડેસિબલ સ્તરથી વધુ હોય તો તે ન્યુરોડેવલપમેન્ટ માટે ખતરો સાબિત થઈ શકે છે.
વધુ પ્રદૂષણ અને ટ્રાફિકવાળા વિસ્તારોનાં બાળકો જાડા હોય છે
યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્રાઇમરી કેર રિસર્ચનાં સંશોધકો જોર્ડી ગોલે 9થી 12 વર્ષની ઉંમરનાં બાળકો પર કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વધુ પડતું વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં રહેતાં બાળકોમાં મેદસ્વિતા આવવાની શક્યતા વધુ રહે છે.