બોપલ-ઘુમાને શીલજ સાથે જોડતો રેલવે ઓવર બ્રિજ છેલ્લાં પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યોં છે. આશરે 16.5 મીટર પહોળા અને 900 મિટર જેટલા લાંબા બ્રિજનું 80 ટકા સિવિલ એન્જિનિયરિંગનું કામ પૂરું થઈ ગયું છે. બ્રિજ બનાવી રહેલા એન્જિનિયરોના કહ્યાં પ્રમાણે ઓગસ્ટ-2024 સુધીમાં બ્રિજનું સંપુર્ણ કામ પૂરું થઈ જશે. ત્યારબાદ આ બ્રિજ ઔડાને સુપરત કરાશે. મહત્વનું છે કે, આ વિસ્તારનો કેટલોક ભાગ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તો કેટલોક ભાગ ઔડાની હદમાં આવે છે. બ્રિજ તૈયાર કરવાનો કુલ ખર્ચ આશરે 80 કરોડ છે જેમાં 50 ટકા રેલવે અને 50 ટકા ઔડા ચૂકવશે. અધિકારીઓની અણઆવડતના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો ધૂમાડો થઈ રહ્યોં છે. અહીં રહેતા લોકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. શિલજ તરફ જ્યાં રેલવે ઓવર બ્રિજ પુરો થાય છે ત્યાંથી આશરે 30 ફૂટ અંતરે દિવાલ આવી જાય છે. માત્ર 10થી 12 ફૂટની અહીં સાંકડી ગલી છે. બ્રિજ પરથી નિચે ઉતરનાર વાહનચાલક માટે અહીં ડેડએન્ડ આવી રહ્યોં છે. ઔડાના એક અધિકારીએ કહ્યું કે, આ નોન ટીપી વિસ્તાર છે એટલે કે, એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેથી અહીં ટીપી પડવાની શક્યતા ઓછી છે. તેથી રસ્તો પહોળો થઈ શકશે નહીં.
ઔડાએ બ્રિજની કિંમત પ્રમાણે ભાગે આવતી રકમના 25 ટકાથી વધુ રકમ રેલવેને ચૂકવી દીધી છે. ઔડાના એક અન્ય અધિકારીએ કહ્યું કે, શિલજ તરફ બ્રિજ પુરો થાય તે વિસ્તાર અમદાવાદ મ્યુનિ. હદ વિસ્તારમાં આવે છે. તેમણે કહ્યું કે, બ્રિજ તૈયાર થાય તે પહેલા ટ્રાફિકનો સરવે કરવો પડે છે જેમાં ટીપીનું આયોજન, રસ્તા પરનું દબાણ, બ્રિજની પહોળાઈ મુજબ રસ્તો બનાવાની જગ્યાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. રેલવે આ જગ્યાએ બ્રિજ બનાવાનું કેમ નક્કી કર્યું અને નિયમો ધ્યાને લીધા છે કે, નહીં તે તપાસનો વિષય છે. લોકોની ફરિયાદ છે કે, અહીં ટીપી પાડ્યા પહેલા શા માટે કરોડો રૂપિયા ખર્ચે બ્રિજ બનાવાનું નક્કી કર્યું હશે.