વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ભય સમ્યો નથી ત્યારે આવા સંજોગોમાં ફેડરલ રિઝર્વ વ્યાજ વધારો જાળવી રાખશે તેવા નિર્દેશો વચ્ચે સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ઝડપી ઘટી 1650 ડોલરની અંદર જ્યારે ચાંદી 18 ડોલરની નજીક પહોંચી છે.
વૈશ્વિક બજારમાં ઘટાડા સાથે સ્થાનિક બજારમાં સોનું ઝડપી ઘટી 52000 અંદર જ્યારે ચાંદી 56500 અંદર બોલાવા લાગી છે. વૈશ્વિક બજારમાં ભાવ ઝડપી ઘટ્યા છે પરંતુ રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી સ્થાનિકમાં ઘટાડો સિમિત રહ્યો છે. સોનામાં 51000ના ભાવની મંદી નથી પરિણામે આ ભાવથી ખરીદી વળતરદાયી સાબીત થઇ શકે છે.
ખરીફ પાકોની આવકો વધે તો ભાવ ઝડપી ઘટી શકે
દેશમાં ખરીફ સિઝનના માલોની આવકોનું પ્રેશર હજુ સામાન્ય છે. જ્યાં સુધી વેચવાલીનું દબાણ નહીં આવે ત્યાં સુધી એગ્રી કોમોડિટીમાં ઝડપી ઘટાડો જોવા મળે તેમ નથી. આયાતી ખાદ્યતેલોમાં ભાવ ઘટ્યા છે પરંતુ રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી તેની સ્થાનિક બજારોમાં મોટી અસર જોવા મળી નથી. નવેમ્બર મહિનાથી બજારમાં મોટાભાગની કોમોડિટીની કિંમતોમાં ઘટાડો આવે તેવું નિષ્ણાતોનું કહેવું છે. તહેવારોના કારણે હાલ ભાવ જળવાઇ રહ્યાં છે.