કેનેડાએ ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારત પર લગાવેલા આરોપોને પુનરાવર્તિત કર્યા છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું, "અમે માનીએ છીએ કે ભારતીય એજન્ટોએ કેનેડાની ધરતી પર અમારા નાગરિકની હત્યા કરી છે."
બીજી તરફ, કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે, "ભારતની પ્રાદેશિક અખંડિતતા પર ખરાબ નજર રાખવી એ લક્ષ્મણ રેખાને પાર કરવા જેવું છે. ભારતનું ભવિષ્ય હવે વિદેશીઓ નહીં, પરંતુ ભારતીયો પોતે નક્કી કરશે."
મીડિયા સાથે વાત કરતા કેનેડાના વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે નિજ્જરની હત્યાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) દ્વારા કરવામાં આવી રહી છે. જોલીએ કહ્યું, "કેનેડાની પ્રાથમિકતા દેશના નાગરિકોની સુરક્ષા કરવાની છે,"
જોલીએ વધુમાં કહ્યું કે, "અમે એ આરોપો પર પણ ઊભા છીએ કે કેનેડાની ધરતી પર ભારતીય એજન્ટોએ એક વ્યક્તિની હત્યા કરી છે. હું આ મામલે વધુ ટિપ્પણી કરવા માંગતી નથી. કેનેડા સરકાર તરફથી કોઈ પણ આ મામલે વધુ કંઈ કહેશે નહીં.
ભારત સાથેના સંબંધો અંગે જોલીએ કહ્યું, "પડદા પાછળ રાજદ્વારી વધુ સારી રીતે કામ કરે છે. કેનેડા તેના નાગરિકોની સુરક્ષા, તેની સાર્વભૌમત્વ જાળવી રાખવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે."
ભારતના હાઈ કમિશનર સંજય વર્મા મંગળવારે મોન્ટ્રીયલ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચ્યા હતા. અહીં તેમણે ભારત-કેનેડા સંબંધોને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા. વર્માએ કહ્યું કે કેનેડાની ધરતી પર આવા તત્વો ઉભરી રહ્યા છે, જે ભારત માટે ખતરો છે.