ઇક્વિટી માર્કેટમાં છેલ્લા એક મહિનાથી વોલેટાલિટી વધી છે જેના કારણે શેરબજારમાં નવા રોકાણકારો આવવાની ગતિ થોડી ધીમી પડી છે આમ છતાં એપ્રિલ મહિનો સતત પાંચમો મહિનો હતો જેમાં 30 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. ગયા મહિને આંકડો 30.7 લાખ સુધી પહોંચ્યો હતો.
આ સાથે દેશમાં ડિમેટ ખાતાઓની કુલ સંખ્યા વધીને 15.45 કરોડના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ડિસેમ્બર 2023થી સતત દર મહિને 30 લાખથી વધુ નવા ડિમેટ ખાતા ખોલવામાં આવી રહ્યા છે. આ દર્શાવે છે કે વધતી જતી અસ્થિરતા છતાં શેરબજાર નવા રોકાણકારોને આકર્ષી રહ્યું છે.
જાન્યુઆરી-માર્ચ દરમિયાન 1.05 કરોડ નવા ડિમેટ ખાતાં ખોલવામાં આવ્યા હતા. ડિમેટ ખાતાંઓની સંખ્યાના સંદર્ભમાં સૌથી મોટી ડિપોઝિટરી સીડીએસએલ છે. તેના એમડી અને સીઇઓ નેહલ વોરાએ જણાવ્યું કે CDSLની સ્થાપના થઈ ત્યારથી એપ્રિલ-માર્ચ એ ત્રિમાસિક સૌથી શ્રેષ્ઠ હતો.