શહેરના વેલનાથપરામાં રહેતી સગીરાની કેટલાક દિવસથી એજ વિસ્તારનો શખ્સ છેડતી કરતો હોય સગીરાના દાદા અને પિતા સહિતના લોકો છેડતી કરનારના ઘરે જઇ તેની રાવ કરી હતી, તેનો ખાર રાખી છેડતી કરનારના પિતા સહિતના લોકો સગીરાના ઘરે ધસી ગયા હતા અને સગીરાના દાદા સહિતનાઓને આંખમાં મરચાંની ભૂકી છાંટી પાઇપના ઘા ઝીંક્યા હતા.
વેલનાથપરામાં રહેતા દેશુરભાઇ મનજીભાઇ કુવાંદિયા (ઉ.વ.69)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેેલનાથપરાના જ પ્રકાશ મોહન ઉધરેજિયા, પ્રકાશનો પુત્ર, મુકેશ વીરચંદ સોલંકી અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. દેશુરભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષની પૌત્રી ઘરની બહાર બેસીને ઇમિટેશનનું કામ કરતી હોય છે, પાંચેક દિવસથી પ્રકાશ ઉધરેજિયાનો દીકરો બાઇક લઇને પસાર થતો હતો અને સગીરાની પજવણી કરતો હતો. સગીરાએ આ અંગે જાણ કરતાં દેશુરભાઇ અને તેના પરિવારના સભ્યો પ્રકાશના ઘરે ગયા હતા. પ્રકાશ ત્યારે હાજર નહોતો પરંતુ તેનો પુત્ર હેરાન કરતો હોવાનું કહી તે લોકો ત્યાથી રવાના થઇ ગયા હતા.