જસદણ તાલુકાના ભાડલા ગામે અજાણ્યા તસ્કરોએ ધોળા દિવસે બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ચોરીની ઘટનામાં તસ્કરોએ જાણે કે ભાડલા પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ધોળા દિવસે ચોરીના બનાવને અંજામ આપતા ગ્રામજનોમાં ભાડલા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોમાંથી જાણવા મળ્યું હતું કે અજાણ્યા તસ્કરોએ ભાડલા ગામમાં ચારથી પાંચ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો અને તસ્કરો અલગ-અલગ મકાનમાંથી ચીજવસ્તુઓ અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જો કે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ભાડલા પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે તસ્કરોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.