રાજકોટમાં બુધવારે સાંજે પલટાયેલા વાતાવરણથી દિલ્હીથી તેમજ મુંબઇથી આવતી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરાઇ હતી. જોકે ઇન્ડિગોની ફ્લાઇટને અમદાવાદથી રાજકોટ લઇ અવાઇ હતી, પરંતુ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરોને બે કલાક પ્લેનમાં બેસાડી રાખ્યા બાદ છેલ્લે ટેક્નિકલ ઇશ્યૂનું કારણ બતાવી મુસાફરોને અમદાવાદથી બસમાં રાજકોટ મધરાતે પહોંચાડ્યા હતા. જેને કારણે મુસાફરો હેરાન થઇ ગયા હતા.
મુંબઇથી એર ઇન્ડિયામાં પરિવાર સાથે રાજકોટ આવી રહેલા વિજયભાઇ ભીમાણી નામના મુસાફરે સાથે પરેશાની મુદ્દે વાત કરતા જણાવ્યું કે, મુંબઇથી નિયત સમયે ફ્લાઇટે ઉડાન ભરી હતી. રાજકોટ પહોંચતા વાતાવરણ સારું ન હોવાને કારણે અડધો કલાક જેટલો સમય પ્લેને શહેર ઉપર ચક્કર લગાવ્યા હતા. આ સમયે ફ્લાઇટમાં બેઠેલા કેટલાક મુસાફરોની તબિયત પણ બગડી હતી. બાદમાં વાતાવરણ ખરાબ હોવાનું જણાવી પ્લેનને અમદાવાદ એરપોર્ટ લઇ જવાયું હતું. જ્યાં ફલાઇટના સ્ટાફે કોઇને પણ નીચે ઉતારવાની મનાઇ કરી ગમે ત્યારે ફ્લાઇટ રાજકોટ ઉડાન ભરશેનું જણાવ્યું હતું. આમ બે કલાક સુધી બધાને પ્લેનમાં બેસાડી રાખ્યા હતા. ત્યાર બાદ ફ્લાઇટના પાઇલટે વાતાવરણને કારણે પ્લેનને નુકસાની થઇ હોવાનું કારણ આગળ ધર્યું હતું. બે કલાક સુધી પ્લેનમાં બેસાડી રાખ્યા બાદ નીચે ઉતરવાનું કહેતા 180 મુસાફરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટર્મિનલ પહોંચ્યા બાદ કેટલાક મુસાફરોએ તેમની રીતે કોઇ વાહનની વ્યવસ્થા કરી રવાના થઇ ગયા હતા. બાદમાં રાત્રીના 10 વાગ્યે બાકી રહેલા મુસાફરોને બે બસમાં રાજકોટ રવાના કર્યા હતા.