કાલાવડના પીપર ગામે વાડીમાં શ્રમિકે ઝેરી દવા પી લીધી હતી જેનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પીપર ગામે ખેતમજૂરી કરતા અને વાડીમાં જ રહેતા મધ્યપ્રદેશના વતની મહેતાબ મિથુભાઇ કલેશે (ઉ.વ.40) વાડીમાં ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કાલાવડ પોલીસ દોડી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેતાબને સંતાનમાં બે પુત્ર છે, તેને તેની પત્ની સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી, જેનું માઠું લાગી આવતાં પગલું ભરી લીધું હતું. યુવકના આપઘાતથી તેના બે માસૂમ સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.જ્યારે અન્ય બનાવમાં શહેરના જિલ્લા ગાર્ડન ચોક પાસે સોરઠિયા પ્લોટ-5માં રહેતા જીતુ માયાભાઇ ચૌહાણ નામના રિક્ષાચાલકને હિરેન કેશુ પરમાર નામના શખ્સે પડખા સહિત ત્રણ ભાગમાં છરીના ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.
સારવાર લઇ રહેલા યુવાનની પૂછપરછમાં તે રવિવારે રાતે રિક્ષા સાથે જિલ્લા ગાર્ડન ચોક પાસે ઊભો હતો. ત્યારે થોડા સમય પહેલા પોતે જેની ભાડે રિક્ષા ચલાવે છે. તેમની રિક્ષા હિરેનના ભાઇ ભરતભાઇને વેચાવડાવી હતી. જેમાં પોતે વચ્ચેથી દલાલી ખાધી હોવાની હિરેનને શંકા હતી. દરમિયાન ગત રાતે હિરેન પોતાની પાસે આવી તું વચ્ચેથી રૂપિયા ખાઇ ગયો છે તેમ કહી ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દઇ નાસી ગયાનું જણાવ્યું છે. પોલીસે ઇજાગ્રસ્ત જીતુ ચૌહાણની ફરિયાદ પરથી ગુનો નોંધી હિરેનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.