રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી માટે ગત તા.7 મે ના 2,036 જેટલાં મતદાન મથકો પરથી મતદાન થયું હતું. તે વખતે ચૂંટણી ફરજમાં રોકાયેલા 10,500 જેટલાં કર્મચારીઓને મહેનતાણું ચૂકવવાનું બાકી હતું. ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં ચુકવણું થયુ ન હતું. જોકે, હવે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને મહેનતાણું ચૂકવી દેવામા આવ્યુ છે. જેઓને રૂ. 1.72 કરોડ ચુકવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, અહીં મહત્વ પૂર્ણ બાબત છે કે, કલેકટર દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર થયેલી ચૂંટણીનો ખર્ચ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. આ તો મતદાન વખતનો ખર્ચ હતો. રાજકોટના કણકોટ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ EVMમાં પડેલા મતની ગણતરી 4 જૂનના છે ત્યારે તે માટે ફાળવવામાં આવનાર કર્મચારીઓનું મહેનતાણું સહિતનો ખર્ચ હજૂ બાકી છે ત્યારે આ ચૂંટણીનો કરોડોનો ખર્ચ જાહેર થશે તે નક્કી છે.
તારીખ 7 મેના રોજ યોજવામાં આવેલી લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી કરોડો રૂપિયામાં પડશે કારણ કે, ચૂંટણીમાં 10,500નો સ્ટાફ રોકવામાં આવ્યો હતો. તેના પગાર ભથ્થા પેટે જ રૂપિયા રૂ. 1.72 કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં વિધાનસભાની 7 બેઠક આવે છે અને મતદાન મથકોની કુલ સંખ્યા 2,036 થવા જાય છે. પ્રત્યેક મતદાન મથક દીઠ સરેરાશ રૂપિયા 8,000નો ખર્ચ થયો છે. ચૂંટણી સ્ટાફને પગાર ભથથા ચૂકવાઇ ગયા છે પરંતુ, હજુ પોલીસ બંદોબસ્તના નાણાં ચૂકવવાના બાકી છે. SRP અને બહારથી આવેલ જવાનોની ટુકડીના પ્રવાસ ખર્ચ- ભથથા વગેરે ચૂકવવાનું બાકી છે. આ ઉપરાંત ચૂંટણી સ્ટાફ પાછળ કરવામાં આવેલ ચા-પાણી, નાસ્તા ભોજન, મંડપ, ગાદલા, ગોદડા, ખુરશી, શૂટિંગ માટે કેમેરા વીડિયોગ્રાફી વગેરેના ખર્ચાઓ બાકી છે.