ઇઝરાયલી અધિકારીઓએ પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયનો દ્વારા બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય કામદારોને બચાવ્યા. બધાને ઇઝરાયલ લાવવામાં આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, પેલેસ્ટિનિયનોએ આ ભારતીયોને મજૂરી કામ આપવાના બહાને ઇઝરાયલથી પશ્ચિમ કાંઠાના અલ-જૈયિમ ગામમાં બોલાવ્યા હતા.
આ પછી તેમને બંધક બનાવવામાં આવ્યા હતા અને તેમના બધા પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ પાસપોર્ટનો ઉપયોગ કરીને પેલેસ્ટિનિયનો ગેરકાયદેસર રીતે ઇઝરાયલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઇઝરાયલી અધિકારીઓએ 6 માર્ચની રાત્રે પશ્ચિમ કાંઠે એક કાર્યવાહીમાં બધા બંધકોને બચાવ્યા.
ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય દૂતાવાસ ઇઝરાયલી અધિકારીઓના સંપર્કમાં છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ગયા વર્ષથી લગભગ 16,000 ભારતીય કામદારો ઇઝરાયલ પહોંચ્યા છે. મે 2023માં ઇઝરાયલ અને ભારત વચ્ચે શ્રમ કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર હેઠળ 42,000 ભારતીય કામદારોને ઇઝરાયલમાં રોજગાર આપવાનો હતો.
ડિસેમ્બર 2023માં યુદ્ધ પર ચર્ચા દરમિયાન ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ ભારતીય કામદારોને ઇઝરાયલ મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સંમત થયા.