અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે આજે વહેલી સવારે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાતા 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડયો હતો. લાખો લિટર પાણી એક કલાક સુધી વેડફાયું હતું અને ગટરમાં જતું રહ્યું હતું. થોડા દિવસ પહેલા આજ રોડ પર ભુવો પડ્યો હતો અને હવે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
આજે વહેલી સવારે શહેરના મણિનગર રેલવે ફાટકથી ખોખરા પોલીસ સ્ટેશન રોડ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. પાણીના સપ્લાય સાથે જ પાણી ની મુખ્ય લાઈનમા ધોધની જેમ બે માળથી પણ ઉંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધું ગટરમાં વેડફાયું હતું. એક અઠવાડિયા પહેલા જ આજ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઈન પાસે ભુવો પડતા રોડ બેસી ગયો હતો. તેના સમારકામ માટે લાખોનો ખર્ચ કરી સમારકામ કર્યું હતું. અને ત્યાં જ પાણીની પાઇપલાઇન આજે તૂટી હતી.