શહેરની ભાગોળે કણકોટમાં રહેતા પ્રૌઢા અને તેનો માનસિક અસ્વસ્થ યુવાન પુત્ર ગુરૂવારે રાત્રીના ભંગાર વીણીને પોતાની ઘરે જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે પ્રૌઢાને ઠોકરે ચડાવ્યા હતા, નિર્દયી કારચાલકે કારમાં ફસાયેલા પ્રૌઢાને અઢી કિલોમીટર સુધી ઢસડ્યા હતા અને ત્યાં મૃતદેહ મૂકી ચાલક નાસી ગયો હતો.
કણકોટમાં રહેતા વિજયાબેન બિજલભાઇ બથવાર (ઉ.વ.64) અને તેનો માનસિક અસ્વસ્થ પુત્ર દિનેશ (ઉ.વ.40) ગુરૂવારે રાત્રે ઘર નજીકના વિસ્તારોમાં ભંગાર વિણવા નીકળ્યા હતા, રાત્રીના 11 વાગ્યાના અરસામાં માતા-પુત્ર ભંગાર વીણીને ચાલીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને ધોળાધાર રાધે હોટેલ પાસે પહોંચ્યા હતા.
ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે વિજયાબેનને ઠોકરે ચડાવ્યા હતા. કારની ઠોકરે ચડ્યા બાદ વિજયાબેન કારમાં જ ફસાઇ ગયા હતા અને ચાલકે કાર ઊભી રાખીને પ્રૌઢાને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવાને બદલે ક્રૂર ચાલક માનવતા ભુલ્યો હતો અને તેણે કાર સ્પિડથી ભગાવી હતી.
નજર સામે જ માતા કારની ઠોકરે ચડતા અને માતા કારમાં ઢસડાઇ રહી હોવાનું દેખાતા માનસિક અસ્વસ્થ પુત્ર દિનેશ કારની પાછળ દોડ્યો હતો, દિનેશ અઢી કિલોમીટર દૂર નિરાલી રિસોર્ટ નજીક ટી પોસ્ટ પાસે પહોંચ્યો ત્યારે તેને લોકોના ટોળાં જોવા મળ્યા હતા તે નજીક પહોંચતા જ તેની માતાનો મૃતદેહ તેને હાથ આવ્યો હતો.