મ.સ.યુનિ.ની હેડ ઓફીસ ખાતે વીજીલન્સનું વિદ્યાર્થી સાથે આરોપીઓ જેવું વર્તન જોવા મળ્યું હતું. વીજીલન્સ ઓફીસરે વિડિયો કેમ ઉતારે છે કહી વિદ્યાર્થી આગેવાનને ધક્કા માર્યા હતા. જેના પગલે વિવાદ વકર્યો હતો. પોલીસમાંથી નિવૃત્તિ બાદ પણ અધિકારીનો રૂઆબ ના છૂટતાં વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. એનએસયુઆઇના વિદ્યાર્થી આગેવાનો દોડી આવ્યા હતા અને પોલીસે દરમિયાનગીરી કરતાં મામલો થાળે પડયો હતો. વિદ્યાર્થી આગેવાને વીજીલન્સ ઓફીસરે માર મારવાના અને ગાળાગાળી કરી હોવાના આક્ષેપો કર્યા હતા.
મ.સ.યુનિ.માં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. એનએસયુઆઇના ઉપ-પ્રમુખ સુઝાન લાડમેન શુક્રવારે હેડ ઓફીસ ખાતે એક વિદ્યાર્થીની હોલ ટીકીટ જનરેટ થતી ના હોવાથી તેના માટે એકઝામ સેકશનમાં ગયો હતો. તે દરમિયાન વિવાદ થયો હતો. વિદ્યાર્થી આગેવાને આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે હેડ ઓફીસમાં કામ માટે ગયો હતો તે સમયે વીજીલન્સ ઓફીસર સૂદર્શન વાળાએ રોકીને કહ્યું કે શું કામ અંદર જાય છે? તારે અંદર જવાનું નથી અને મારું ગળું દબાવીને પોલીસ પાસે લઇ ગયા હતા.
ગુનો ના હોવા છતાં પણ મને રોકીને ગાળાગાળી કરી હતી અને મને માર માર્યો હતો. જેથી એનએસયુઆઇના આગેવાનો દોડી આવ્યા હતા. પ્રમુખ અમર વાઘેલા સહિતના વિદ્યાર્થી દ્વારા વિડિયો બનાવતા હતા તે સમયે વીજીલન્સ ઓફીસરે તેમને રોકતાં ધક્કામુક્કી થઇ હતી. વીજીલન્સ ઓફીસ વાળાએ વીડિયો કેમ બનાવે છે કહી રોક્યા હતા. સાથે પોલીસે પણ રોકતાં વિવાદ થયો હતો. આગેવાનોએ આક્ષેપો કર્યા કે સૂદર્શન વાળાનો પોલીસમાંથી નિવૃત્તિ બાદ પણ રૂઆબ છૂટતો નથી. એનએસયુઆઇ પ્રમુખે જણાવ્યું કે વીજીલન્સ ઓફીસર સામે પોલીસ ફરીયાદ કરવામાં આવશે.