ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગને બઢતી આપવામાં આવી છે. તે હવે ઉપ વિદેશમંત્રી બની ગઈ છે. ચીનના વિદેશ મંત્રાલયમાં 5 ઉપપ્રધાન હોય છે. ચુનયિંગ તેમાંથી એક છે અને તે એકમાત્ર મહિલા છે. તે 2012થી વિદેશ મંત્રાલયના પ્રવક્તા હતા.
હોંગકોંગના મીડિયા હાઉસ 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ' અનુસાર અમેરિકા વિરુદ્ધ તેના આક્રમક વલણને કારણે ચુનયિંગને અમેરિકા વિરોધી કહેવામાં આવે છે. હુઆ ચીનની વુલ્ફ વોરિયર ડિપ્લોમસીનું સમર્થન કરે છે અને તેને આગળ લઈ જઈ રહી છે.
હુઆ ચુનયિંગ ચીનના વુલ્ફ વોરિયર ડિપ્લોમસીની નવી પેઢીના છે. ચીનના આવા રાજદ્વારીઓ ચીનના બચાવ માટે આક્રમક અને અવિચારી રીત અપનાવે છે અને ક્યારેક પાયાવિહોણા ષડયંત્રનો આરોપ પણ લગાવે છે. વુલ્ફ વોરિયર ડિપ્લોમસી શબ્દનો ઉપયોગ 2019માં રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ચીન સામે વધતા આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન અમેરિકા સાથે ચીનનું વેપાર યુદ્ધ અને હોંગકોંગમાં વિરોધ ચરમસીમાએ હતો.