તક્ષશિલા, મોરબી પુલ, હરણી તળાવ અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આકસ્મિક ઘટનાઓમાં થયેલી મોટી જાનહાનિના બનાવોને જોતાં હવે સરકાર પોતાના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે. માનવસર્જિત અથવા તો બેદરકારીને કારણે થતી હોનારતોના આવાં કેસમાં સજાની જોગવાઇઓ વધુ કડક કરવા ઉપરાંત જવાબદાર ઠરે તેવાં વરિષ્ઠતમ અધિકારીઓને આ કાયદાના દાયરામાં સમાવાશે અને તેઓની બેદરકારી હોવાનું સિદ્ધ થાય તો તેમની સામે માત્ર શિક્ષાત્મક પગલાં જ નહીં, પરંતુ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી નવી જોગવાઇઓ દાખલ કરવામાં આવશે. આ સંજોગોમાં ગુજરાત સરકાર પોતાનો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મીઝર્સ રેગ્યુલેશન એક્ટ-2016 સુધારશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજ કુમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગાંધીનગરમાં સોમવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
આવતાં ચોમાસું સત્ર સુધીમાં આ નવા સુધારા સૂચવતું એક વિધેયક વિધાનસભામાં પસાર કરાવવા માટે સરકારે તૈયારીઓ હાથ ધરી છે. આ માટે સરકાર કાનૂની અને વૈધાનિક માર્ગદર્શન પણ મેળવશે.વર્તમાન કાયદામાં સુધારો એટલા માટે જરૂરી છે કે નિયમો અને કાયદા મોજૂદ હોવાં છતાં આવી ઘટના બને છે, કારણ કે તેનું અમલીકરણ યોગ્ય રીતે અને કડકપણે થતું નથી. સંભવિત દુર્ઘટના સામેનું દુર્લક્ષ સેવાય છે અને નિયમોનું પાલન કરવામાં ગંભીરતા જળવાતી નથી. માત્ર આગ જ નહીં અન્ય હોનારતોને સમાવાશે.
નવા કાયદામાં માત્ર આગ જ નહીં પરંતુ પાણીમાં ડૂબવા, ઓચિંતી નાસભાગ મચવા, કરંટ લાગવા સહિતના સંજોગોને કારણે થતી ઘટનાઓને આમાં સમાવી લેવામાં આવશે. અલબત્ત આ કિસ્સામાં કારણ માનવ બેદરકારી અથવા માનવસર્જિત ઘટનાઓ જ સમાવાશે. ભૂકંપ, પૂર, વાવાઝોડા સહિતની કુદરતી આફતોના કિસ્સામાં આગ લાગવી, ડૂબી જવું કે શોર્ટસર્કિટથી વીજકરંટ લાગવો સહિતની દુર્ઘટનાઓ બને તેનો સમાવેશ કરાશે નહીં. અત્યાર સુધી બનેલી ઘટનાઓમાં માત્ર કોન્ટ્રાક્ટર, નિર્માતા કે એજન્સી અથવા તો નીચલા દરજ્જાના સુપરવાઇઝર કક્ષાના અધિકારીઓની સામે જ પગલાં લેવાયા છે, પરંતુ હવે કાયદો વધુ કડક કરીને સંબંધિત વહીવટી તંત્ર કે પ્રશાસનના સર્વોચ્ચ અધિકારી સુધી પણ આ કાયદાનો શકંજો પહોંચશે.