મણિપુરમાં સતત ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રેમલ ચક્રવાતના કારણે નોર્થ-ઇસ્ટનાં છ રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના કારણે મોટા ભાગની નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરને પાર કરી ગઇ છે. કેટલાંક સ્થળો પર પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 41 લોકોનાં મોત થયાં છે.
સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે મણિપુરમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. વરસાદના કારણે ઇમ્ફાલ નદી અને નંબુલ નદી જેવી મુખ્ય નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે. કેટલાંક ગામો પણ પાણીમાં ડૂબી ગયાં છે. કેટલીક સરકારી ઓફિસો અને ક્વાર્ટરોમાં પાણી ભરાઇ ગયાં છે.
મેઘાલય રાજ્યના પણ કેટલાક હિસ્સામાં અવિરત વરસાદ થઇ રહ્યો છે. ચેરાપૂંજીના સોહરામાં છેલ્લા 48 કલાકમાં આશરે 35 ઇંચ વરસાદ થયો છે.