રેસલર વિનેશ ફોગાટે સિલ્વર અપીલ ફગાવી દીધા બાદ એક ઈમોશનલ પોસ્ટ કરી છે. ગુરુવારે તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેટ પર રડતો પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને આ ફોટામાં સિંગર બી પ્રાકનું ગીત, 'મેરી બારી તે લગડે, તુ રબ્બા સોતા રહે ગયા...' લગાવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ ફોટોના કેપ્શનમાં વિનેશે કંઈ લખ્યું નથી, પરંતુ ઘણા ચાહકોએ વિનેશને પ્રોત્સાહિત કરવા માટે કોમેન્ટ કરી છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ કોમેન્ટમાં લખ્યું, તમે પ્રેરણાદાયક છો, તમે પ્રશંસાને પાત્ર છો, તમે ભારતનું રત્ન છો. મનિકાની સાથે અન્ય લોકોએ પણ વિનેશ માટે ટિપ્પણી કરી છે.
એક દિવસ અગાઉ 14 ઓગસ્ટ, બુધવારે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ પેરિસ ઓલિમ્પિકમાં સંયુક્ત સિલ્વર મેડલની માગ કરતી વિનેશની અરજીને ફગાવી દીધી હતી.
વિનેશે સતત 3 મેચ જીતીને 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલ 8 ઓગસ્ટે યોજાવાની હતી, પરંતુ મેચ પહેલા ઓલિમ્પિક કમિટીએ વિનેશને ગેરલાયક ઠેરવી દીધી હતી કારણ કે તેનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધારે હતું.