રશિયા-યુક્રેન યુદ્ધને 825 દિવસ થઈ ગયા છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પર સહયોગી દેશો અને સલાહકારો દબાણ વધારી રહ્યા છે કે તે યુક્રેનને રશિયાની સીમામાં હુમલો કરવા અમેરિકી હથિયારોના ઉપયોગની મંજૂરી આપે. રાષ્ટ્રપતિ બાઇડેન વિચાર કરી રહ્યા છે કે અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યુક્રેનને અમેરિકા દ્વારા મોકલાયેલાં હથિયારોને ચલાવવાની મંજૂરી આપવામાં આવે કે નહીં. તેનો નિર્ણય ઘણી રીતે મહત્ત્વનો છે કેમ કે તેનાથી અમેરિકા અને રશિયા વચ્ચે સીધી ટક્કર થઈ શકે છે.
યુક્રેની રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીનું કહેવું છે કે જો તેને અમેરિકી હથિયારોના ઉપયોગની મંજૂરી મળે છે તો તે રશિયન સીમામાં મિસાઇલ લોન્ચરને ખતમ કરી શકશે, જે હમણાં યુક્રેનના હુમલાથી દૂર છે. અમેરિકાએ યુક્રેનને તેની સીમાની રક્ષા માટે હથિયારો સપ્લાય કર્યા છે.
અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન પણ નીતિ બદલવાના પક્ષમાં
હાલમાં માલ્દોવાની યાત્રા દરમિયાન અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પહેલીવાર જાહેરમાં કહ્યું કે બદલાતી પરિસ્થિતિઓને જોતાં બાઇડેન પ્રશાસન તેના વલણ પર પુનર્વિચાર કરી રહ્યું છે. તેણે કહ્યું- અમેરિકા હંમેશા યુક્રેનની પ્રભાવી સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને રશિયાની અંદર હુમલા કરવા વિશે પોતાના વલણને સમયોજિત કરી શકે છે. આ પહેલાે, મેના આરંભમાં કીવથી પરત ફર્યા બાદ બ્લિંકને બાઇડેનને કહ્યું હતું કે યુક્રેન અત્યાર સુધીમાં ખારકીવ અને રશિયન સીમા પર આગળ વધી શકતું નથી જ્યાં સુધી બાઇડેન તેનું વલણ ન બદલે. કહેવાય છે કે બ્લિંકને જાણીજોઈને નિવેદન આપ્યું કેમ કે ઇનર સર્કલ મારફતે રાષ્ટ્રપતિ બાઇડેન પર તેની સ્ટ્રેટેજી બદલવા દબાણ કરી શકે.