યુક્રેન પર રશિયાના હુમલાને 6 મહિના વીતી ચૂક્યા છે. આ દરમિયાન દક્ષિણ યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલ પર રશિયાએ ગત મે મહિનામાં કબજો કરી લીધો હતો. હવે 3 મહિના બાદ રશિયાએ અહીં નિર્માણકાર્ય શરૂ કરી દીધું છે. તે નવાં મકાનો અને હોસ્પિટલો સહિત અન્ય ઇમારતો બાંધી રહ્યું છે. 1 સપ્ટેમ્બરથી સ્કૂલોમાં નવું સત્ર શરૂ થઇ રહ્યું હોવાથી રશિયા પહેલાં અહીંની સ્કૂલોનું પુન:નિર્માણ કરવા ઇચ્છે છે.
કાર્યકારી મુખ્ય ચિકિત્સા અધિકારી નતાલિયા સપ્લિનાના જણાવ્યાનુસાર મારિયુપોલમાં આરોગ્ય સુવિધાઓનું ઝડપથી પુન:નિર્માણ થઇ રહ્યું છે. અહીં રશિયન ડૉક્ટર્સ શિફ્ટમાં કામ કરે છે. તેઓ અંદાજે 20 દિવસ માટે અહીં આવે છે. મારિયુપોલમાં ઇલિચ સ્ટીલ એન્ડ આયર્ન વર્ક્સ તથા એજોવસ્ટલ આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ નામની બે કંપની હતી, જે 50 હજારથી વધુ લોકોને રોજગારી આપતી હતી. હવે તેમને પણ પુન:સ્થાપિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
શહેરમાં પરિવહન સુવિધા મે મહિનામાં બહાલ કરી દેવાઇ હતી. રશિયાએ મારિયુપોલમાં ખાણીપીણી, કપડાં અને પુસ્તકો માટે હંગામી બજાર ઊભાં કર્યા છે, જ્યાં પણ ભીડ થઇ રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર શહેરનાં 60થી 70% મકાનો તબાહ થઇ ચૂક્યાં છે, જેમાંથી 20% પુન:સ્થાપિત થઇ શકે તેમ નથી. રશિયાના નાયબ વડાપ્રધાન મરાત ખુસનુલિનની દેખરેખ હેઠળ આ શહેરનું પુન:નિર્માણ થઇ રહ્યું છે.