બેંકો પાસેથી લોન લેવાના હેતુને લઈને દેશમાં એક રસપ્રદ ટ્રેન્ડ સામે આવ્યો છે. આ વર્ષે ઉત્તર ભારતમાં ઘર ખરીદવા અથવા બનાવવા માટે સૌથી વધુ 43% લોન લેવામાં આવી છે. દક્ષિણ ભારતના લોકો કાર અથવા ટુ-વ્હીલર ખરીદવા માટે મહત્તમ 38 ટકા લોન લઈ રહ્યા છે તેમજ પૂર્વીય રાજ્યોમાં શિક્ષણ પર ખર્ચ કરવા માટે મહત્તમ 32 ટકા લોન લેવામાં આવી રહી છે, જ્યારે પશ્ચિમી રાજ્યોમાં મેડિકલ જરૂરિયાતો માટે મહત્તમ 24 ટકા લોન લેવામાં આવી રહી હોવાનું બેન્કબાઝાર.કોમ ના “એસ્પિરેશન ઇન્ડેક્સ 2024” અનુસાર દર્શાવાયું છે.
આ ઉપરાંત વૈભવી લગ્નોને પ્રાધાન્ય આપતા ભારતીયોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. છેલ્લા એકાદ-બે વર્ષમાં જ દેશમાં વૈભવી લગ્નો પાછળ ખર્ચ કરનારા લોકોની સંખ્યામાં સરેરાશ બમણી વૃદ્ધિ જોવા મળી છે. તાજેતરમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મેરેજ પાછળ વધુને વધુ ખર્ચ કરનારા વધી રહ્યાં છે. શરૂ થનારી મેરેજ સિઝનમાં દેશભરમાં 40 લાખથી વધુ લગ્નો યોજાનારા છે જેમાં જંગી ખર્ચ થશે. જોકે તેનો સીધો ફાયદો અર્થતંત્રને પણ મળી રહેશે.